ગુજરાત ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 89 બેઠકો ઉપર મતદાન શરૂ, 3 કલાકમાં સરેરાશ 15 ટકા જેટલુ મતદાન
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કા માટે સવારથી જ મતદાન શરૂ થયું હતું. 3 કલાક સુધી પ્રથમ તબક્કામાં સરેરાશ 15 ટકા જેટલુ મતદાન થયું હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા સહિતના આગેવાનોએ પણ મતદાન કર્યું હતું. તેમજ મતદારોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં બે તબક્કામાં 182 બેઠકો મતદાન યોજાશે. આજે સવારથી 89 બેઠકો માટે મતદાન શરૂ થયું હતું. સવારથી જ મતદાન માટે લાઈનો લાગી હતી. હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, વધારેમાં વધારે મતદાન થાય તે માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ મતદારોને મતદાન કેન્દ્ર મતદાન કરવા મોકલી આપવા દોડધામ શરૂ કરી હતી.
કપરાડામાં લગભગ 11.20 ટકા, વ્યારામાં 9.13, માંડવીમાં 10.22 ટકા, ડાંગમાં 9.76 ટકા, ધ્રાંગધ્રામાં 8.29 ટકા, અબડાસામાં 9.30, જેતપુરમાં 8.17, નિઝરમાં 9.35 અને માંગરોળમાં 7.86 ટકા સુધી જેટલુ મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો ઉપર મતદાન શરૂ થયું છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 જેટલી બેઠકો માટે આગામી 5મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જ્યારે 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.