ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોના નામ જાહેર
અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા સંગઠનને વધારે મજબુત કરવાના પ્રાયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પાર્લામેન્ટરી બોર્ડમાં 13 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપની નવી પાર્લામેન્ટરી બોર્ડમાં સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આર.સી.ફળદુ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પુરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ કરવામાં નહીં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની શકયતા છે. ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.