અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અમદાવાદ સહિત આઠ શહેરોમાં સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું હતું. હવે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. તેમજ બાળકો પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન તમામ પ્રાથમિક શાળાઓમાં ધો-6થી 9 પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવા નિર્દેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં કોરોના મહામારીને પગલે એકાદ વર્ષથી ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. જો કે, અનલોકમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તબક્કાવાર ધો-6થી 12 સુધી ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, રાજ્યમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત શહેરોમાં સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન રાજય સરકારના આદેશના પગલે રાજયમાં મહાનગરોની સાથે તમામ પ્રાથમીક શાળાઓમાં આજથી ધો.6થી9ના પ્રત્યક્ષ શિક્ષણ પર રોક લાગી જતા તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારની પ્રાથમીક શાળાઓ ફરી સુમસાન બની જવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા.11 જાન્યુઆરીથી પ્રથમ તબકકામાં ધો.10 અને 12ના તેમજ તા.1 ફેબ્રુઆરીથી ધો.9 અને 11ના જયારે તા.18 ફેબ્રુઆરીથી ધો.6થી 8ના વર્ગો શરુ કરાયા હતા. બાદમાં કોરોનાની મહામારીના સંક્રમણમાં ઉછાળો આવતા રાજકોટ, અમદાવાદ, સુરત સહિત રાજયના 8 મહાનગરોમાં 10મી એપ્રિલ સુધી શિક્ષણ અને ટ્યુશન કલાસ બંધ કરવામાં આવેલ. જેની મુદત પૂર્ણ થાય તે પહેલા જ મહાનગરોની સાથે હવે ગ્રામ્ય અને તાલુકા મથકોની તમામ શાળાઓમાં ધો.6થી 9 ના પ્રત્યક્ષ શિક્ષણ પર આજથી રાજય સરકારના આદેશને અનુસરી રોક લાગી જવા પામી છે.