રાજપીપલા : નર્મદા જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેની રાહબરીમાં પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકો અને યુવાનો જી-20 સાથે અર્થપૂર્ણ રીતે જોડાય, જાગૃતતા કેળવાય તેવા શુભ આશય સાથે આજરોજ સવારે “રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ” હેઠળ રન ફોર યુનિટી યોજાઈ હતી. જેને રાજપીપલા નગર પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ અને છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના આચાર્ય ડો.એચ.એસ. પટેલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ચાલુ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત દેશ જી-20નું યજમાનપદ ભોગવી રહ્યું છે ત્યારે દેશભરમાં તે અનુસંધાને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ આ અંગેનું આયોજન હાથ ધરાયું છે. જે અંતર્ગત રાજપીપલા ખાતે યોજાયેલી રન ફોર યુનિટીનું રજવાડી નગરીના પ્રવેશદ્વાર એવા કાલાઘોડા સર્કલથી શરૂ કરી શહેરના મૂખ્ય માર્ગ પરથી પસાર થઈને સૂર્ય દરવાજા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. અંદાજે બે કિમી સુધીની આ દોડમાં સામેલ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
“રન ફોર એન્વાયર્નમેન્ટ એન્ડ ક્લાઈમેટ”ના સમગ્ર આયોજન સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક(ડેહક્વાટર) પી.આર.પટેલે એક સંવાદમાં જણાવ્યું હતું કે, જી-20 સમિટ 2023માં ભારત દેશને યજમાન પદ મળ્યું છે તે સંદર્ભે આજરોજ રાજપીપલા ખાતે પર્યાવરણની જાગૃતિ અંગે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગોએ પોતાની ઉત્સાહપૂર્વક ભાગીદારી નોંધાવી હતી. જેના થકી સ્વસ્થ જીવનનો સંદેશો દેશના નાગરિકોને પાઠવ્યો છે તેમ તેઓએ ઉમેર્યું હતું. ઉક્ત રન ફર યુનિટી દોડમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને એન.સી.સી. કેડેટ સભ્યો તેમજ અન્ય શાળા-કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સામેલ થયા હતા.