ભારતીય વિદેશ મંત્રાલય અને ભારતીય વાયુસેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમાર અને ભારતીય વાયુસેના તરફથી વાઈસ એરમાર્શલ આર.જી.કે. કપૂરે પ્રેસ કોન્ફરન્સમાં આજના દિવસની બપોર સુધીની ઘટનાનું ટૂંકુ બ્રીફિંગ કર્યું હતું.
પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનમાં ત્રણ ઠેકાણે એર સ્ટ્રાઈક કરીને ત્રણસોથી વધુ આતંકીઓને ફૂંકી મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેને કારણે ખિજાયેલા પાકિસ્તાને ભારતની એર સ્ટ્રાઈકના બીજા દિવસે સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી છે. જો કે ભારતીય જવાનોની સાવધાનીને કારણે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનનું એક એફ-16 ફાઈટર જેટ તોડી પાડયું છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે અમે વિશ્વસનીય પુરાવાના આધારે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. અમને જાણકારી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદ ભારતમાં આતંકવાદી હુમલા કરવા માગતું હતું. તેની વિરુદ્ધ ભારતે વાયુસેનાનો ઉપયોગ કર્યો હતો.
રવીશ કુમારે સંક્ષિપ્ત નિવેદનમાં કહ્યુ છે કે પાકિસ્તાને અમારા સૈન્ય સંસ્થાનોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. અમે પાકિસ્તાનની કોશિશને અસફળ કરતા તેના એક વિમાનને તોડી પાડયું છે. આ દરમિયાન અમારા એક મિગ-21નો એક પાઈલટ મિસિંગ છે. પાકિસ્તાને કહ્યું છે કે પાયલટ તેમના કબજામાં છે. અમે તથ્યોની તપાસ કરી રહ્યા છીએ.