સુપ્રીમ કોર્ટે મુંબઈમાં ફરીથી ડાન્સ બાર ખોલવાની આપી મંજૂરી
ભારતની આર્થિક રાજધાની મુંબઈમાં ડાન્સ બારને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો ફરમાવ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમા જણાવ્યું છે કે મુંબઈમાં નવા સુરક્ષા નિયમો સાથે ડાન્સ બાર ફરીથી ખોલી શકાય છે. પરંતુ ડાન્સ બારમાં નાણાંનો વરસાદ કરવાની મંજૂરી અપાઈ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મુંબઈના ડાન્સ બારમાં સીસીટીવી કેમેરાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે તેનાથી લોકોના ખાનગીપણાનું ઉલ્લંઘન થાય છે.
આ મામલામાં નિર્ણય આપતા સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે 2005થી સરકાર તરફથી એકપણ ડાન્સ બારને લાઈસન્સ આપવામાં આવ્યું નથી. હાલના નિયમોના આધારે ડાન્સ બાર પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી શકાય નહીં. આ પહેલા ગત વર્ષ 30મી ઓગસ્ટે તમામ રાજકીય પક્ષોની દલીલોને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
આ મામલાની સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે કહ્યું હતું કે નવો કાયદો બંધારણીય મર્યાદામાં આવે છે અને આ એક ગેરકાયદેસર પ્રવૃત્તિ તથા મહિલાઓના શોષણને રોકે પણ છે. જો કે આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે મુંબઈમાં એવું લાગી રહ્યું છે કે મોરલ પોલિસિંગ થઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારના કડક નિયમોને કારણે મુંબઈમાં એકપણ ડાન્સ બારનું સંચાલન થઈ રહ્યું નથી.
સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું હતું કે સમયની સાથે અશ્લીલતાની વ્યાખ્યમા પણ બદલાઈ ગઈ છે. જૂની ફિલ્મોમાં ચુંબન અને પ્રેમપ્રસંગોના દ્રશ્યાંકન માટે બે ફૂલોનું મિલન અથવા તો બે પક્ષીઓનો કલબલાટ દર્શાવવામાં આવતો હતો. પરંતુ હાલના સમાજમાં લિવ-ઈનને પણ કેટલીક હદે સ્વીકારી લેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે મુંબઈમાં ડાન્સ બાર પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને ન્યાયસંગત ઠેરવતા કહ્યું હતું કે આ નિયમ આ વિસ્તારોમાં કામ કરનારી મહિલાઓની સુરક્ષા અને સમ્માન માટે છે.
ડાન્સ બારના માલિકોને કોઈપણ ધાર્મિક અથવા શૈક્ષણિક સંસ્થાથી એક કિલોમીટરના અંતરે ડાન્સ બાર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેના પછી ડાન્સ બારના માલિકો દ્વારા આવા પ્રકારના પ્રતિબંધ સામે વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ડાન્સ બાર માલિકો દ્વારા દાવો કરાયો હતો કે મોટા શહેરોમાં આવા નિયમોનું પાલન કરવું શક્ય નથી.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સાડા અગિયાર વાગ્યાથી ડાન્સ બારને બંધ કરવાનો વધુ એક પ્રતિબંધ ભેદભાવપૂર્ણ છે. જ્યારે કેન્દ્ર સરકારે વ્યાવસાયિક પ્રતિષ્ઠાનોને 2 કલાક ચલાવવાની મંજૂરી આપી છે. ડાન્સ બારના માલિકોએ સરકારના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી કે તેમના લાઈસન્સ રિન્યૂ કરાઈ રહ્યા નથી. નવા લાઈસન્સ પણ અપાઈ રહ્યા નથી.