અમેરિકાના પહેલા હિંદુ સાંસદ અને આગામી રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી ટિકિટના દાવેદારોમાં સામેલ તુલસી ગબાર્ડે બશર અલ અસદની સાથેની મુલાકાતનો કોઈ અફસોસ નહીં હોવાનુ જણાવ્યું છે. તુલસી ગબાર્ડે કહ્યું છે કે તેમને 2017માં સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદની સાથે મુલાકાત પર કોઈ અફસોસ નથી. ગબાર્ડે સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે દેશની સુરક્ષા અને શાંતિને ધ્યાનમાં રાખતા અમેરિકાના નેતાઓએ વિદેશી નેતાઓની સાથે મુલાકાત કરવી જ પડશે.
મહત્વપૂર્ણ છે કે બશર અલ અસદ પર વર્ષોથી ચાલી રહેલા સીરિયન ગૃહયુદ્ધ દરમિયાન પોતાના જ નાગરીકો પર જૈવિક હથિયારોનો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ છે. જૈવિક હુમલા માટે અસદ પર શંકા જાહેર કરનારાઓનું સમર્થન કરવા માટે આના પહેલા પણ ગબાર્ડની ટીકા થઈ ચુકી છે.
જ્યારે તુલસી ગબાર્ડને સવાલ કરવામાં આવ્યો કે શું તેમને અસદની સાથેની મુલાકાત પર અફસોસ છે, તો તેના જવામાં તેમણે કહ્યું હતું કે નહીં, તેમને લાગે છે કે આનાથી કોઈ ફરક પડતો નથી. જો તેઓ અમેરિકાની સુરક્ષા અને શાંતિ માટે ગંભીર છે, તો આ દેશના કોઈપણ નેતા માટે વિદેશી નેતાઓ સાથે મુલાકાત કરવાનું મહત્વ યથાવત છે. પછી આવા વિદેશી નેતા ભલે દોસ્ત હોય કે વિરોધી હોય અથવા તો પછી સંભવિત વિરોધી હોય.
ગબાર્ડે પોતાની આ મુલાકાતની સરખામણી અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના રાષ્ટ્રપ્રમુખ કિમ જોંગ ઉનની 2018માં યોજાયેલી શિખર બેઠક સાથે પણ કરી હતી. ગબાર્ડે કહ્યું છે કે તેમણે વ્યક્તિગત ધોરણે યુદ્ધની કિંમત શું હોય તેને જોઈ છે અને તેના કારણે તેઓ શાંતિ માટે મજબૂતાઈથી ટક્કર લેતા હોય છે. આ એવી પરિસ્થિતિઓની સચ્ચાઈ છે કે જેનો આજે આપણે સામનો કરી રહ્યા છીએ. ગબાર્ડે એમ પણ કહ્યું છે કે આના કારણે તેમણે ટ્રમ્પ પાસે પહેલા પણ માગણી કરી હતી અને હજીપણ તેઓ આવી માંગ કરી રહ્યા છે કે તેઓ ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉન વા લોકોની સાથે મુલાકાત કરવાનું ચાલુ રાખે, કારણ કે આપણને ખબર છે કે દાંવ પર શું લાગેલું છે?
અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને ગત વર્ષ સીરિયાના જૈવિક હથિયારોના ઠેકાણા ગણાતા સ્થાનો પર 100થી વધારે મિસાઈલો છોડી હતી. વોશિંગ્ટન તરફથી ધમકી આપવામાં આવી છે કે અસદ જૈવિક હથિયારોનો ઉપયોગ બંધ નહીં કરે, તો આવા વધુ હુમલા કરવામાં આવશે. સીરિયાની સરકારે જૈવિક હથિયારોના ઉપયોગ સંદર્ભે થયેલા આવા આરોપોને રદિયો આપ્યો છે.