Site icon Revoi.in

અમદાવાદ: શિવાનંદ આશ્રમના સ્વામી આધ્યાત્મનંદજીનું 77 વર્ષની વયે કોરોનાને લીધે નિધન, રિવોઇ પરિવારે પાઠવી શ્રદ્વાંજલિ

Social Share

અમદાવાદ: રાજ્યમાં કોરોનાને કહેર સતત વધી રહ્યો છે અને આ વચ્ચે વધુ એક દુ:ખદ સમાચાર પ્રાપ્ત થયા છે. અમદાવાદનાં શિવાનંદ આશ્રમનાં પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજીનું આજે 77 વર્ષની વયે નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસથી અમદાવાદની એસ.જી.વી.પી હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. જાણીતા ન્યૂઝ પોર્ટલ રિવોઇ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારે પણ સ્વામી આધ્યાત્મનંદજીના નિધન પર દુઃખ વ્યક્ત કરીને તેમને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શિવાનંદ આશ્રમના ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજી કોરોના સંક્રમિત થતા તેમને ગત મહિને અમદાવાદની એસ.જી.વી.પી હોસ્ટિપલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તેમને 77મું વર્ષ ચાલતું હતું. ખાસ કરીને ગુજરાતમાં યોગનો પ્રસાર કરવામાં તેમનું વિશેષ યોગદાન હતું. સ્વામી આધ્યાત્મનંદજીએ અત્યારસુધી અનેક યોગ શિબિરોના માધ્યમથી યોગનું મહત્વ લોકો સુધી પહોંચાડ્યું હતું અને અધ્યાત્મ માટે પણ તેઓ વિશ્વના અનેક દેશોમાં જતા.

તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ઉપરાંત અનેક ભાષા પર પ્રભુત્વ ધરાવતા હતા. સ્વામી આધ્યાત્મનંદજીના હાથ નીચે સેંકડો યોગ શિક્ષકો તૈયાર થયા છે.

લોકડાઉન દરમિયાન લોકોમાં કોરોનાને લઇને જે તણાવ જોવા મળે છે, જેને હળવો કરવા માટે તેમણે વિખ્યાત તસવીરકાર હર્ષેન્દ્રુ ઓઝા સાથે મળીને 100થી પણ વધુ દિવસો સુધી વિશેષ કાર્યક્રમો રજૂ કર્યા હતા. તેમની વિદાયથી તેમના 10 લાખ અનુયાયીઓમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે

(સંકેત)